રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોરારદાસના ખંભાલીડા ખાતે ઊંડ નદી પર રૂ.693.37 લાખના ખર્ચે નિર્મિત થનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. 18 મીટરની લંબાઈના 12 ગાળા ધરાવતા આ મેજર બ્રિજના નિર્માણ થકી ખંભાલીડા, રવાણી ખીજડીયા, રોજીયા સહિત આજુબાજુના ગ્રામજનોની આવાગમનની સુવિધામાં વધારો થશે તથા કૃષિ સંબંધી પણ ફાયદો થશે.
મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની બ્રિજ નિર્માણની લાંબા સમયની માંગણી હતી જે સરકારે સ્વીકારી છે. બ્રિજના નિર્માણ થકી ખેડૂતોને ચોમાસા દરમિયાન નદી ઓળંગવા સહીતની પડતી હાલાકી દૂર થશે અને તમામ વર્ગના લોકોના સમય અને શક્તિ વેડફાતા અટકશે.સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે અનેક નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના જ વિવિધ ગામોમાં છેલ્લા દિવસોમાં રૂ.50 કરોડથી વધુના ખર્ચે 15 જેટલા નવીન બ્રિજ નિર્માણના કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
આ તકેે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, જિલ્લા પંચાયત સભ્ય લગધીરસિંહ જાડેજા, આગેવાન મુકુંદભાઈ સભાયા, કુમારપાલસિંહ રાણા, નરેન્દ્રસિંહ જાડેજા, આસપાસના ગામોના સરપંચઓ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.