જામનગર શહેરમાં પવનચકકીના અધિકારીનું અપહરણ કરી લઇ જઈ ઢોર માર માર્યાના બનાવે ભારે ચકચાર જગાવી છે. જો કે આ બનાવ અંગે હજુ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
બનાવની વિગત મુજબ, પવનચકકી બનાવતી સુઝલોન કંપનીના દિનેશભાઈ નામના લાઈઝનીંગ ઓફિસરનું ગઈકાલે તેના ઘરેથી સુરેશ સહિતના 10 થી 12 અન્ય શખ્સો અપહરણ કરી ઠેબા ચોકડી પાસે લઇ ગયા હતાં. જ્યાં 12 જેટલા શખ્સોએ લાઇનીંગ અધિકારી ઉપર લાકડાના ધોકા અને પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા અધિકારીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ભોગ બનેલા અધિકારીને સુરેશ સહિતના એક ડઝન જેટલા શખસોએ ઢોર માર માર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, આ પ્રકરણમાં હોસ્પિટલમાં એમએલસી કરવામાં આવી છે. પરંતુ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.