કાલાવડના આણંદપર ગામમાં 95 લાખની માતબર રકમની ચોરીની ઘટના બાદ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહેતા એન્જીનિયરના મકાનમાંથી અજાણ્યા તસ્કરો સોનાના દાગીના મળી રૂા.1,63,317 ની કિંમતની ચોરીમાં પોલીસે તપાસ આદરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ તસ્કરો અને ગુનેગારો બેખોફ બની ગયા છે. ચોરીની તથા હત્યાની ઘટનાઓઓ તો સાવ સામાન્ય થઈ ગઇ છે. બે દિવસ પહેલાં જ કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ખેડૂતના મકાનમાંથી રૂા.95 લાખ રોકડની ચોરીના બનાવે હાલારવાસીઓને ફફડાવી દીધા છે. ત્યારે સલામત ગુજરાતનું સૂત્ર કેટલું સાર્થક છે ? તે પ્રજા સમજે જ છે. હજુ આણંદપરની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે શહેરના પટેલ કોલોની 8/1 માં આવેલા દેવ એલીગન્સમાં 502 નંબરના ફલેટમાં રહેતાં સંદિપભાઈ જગદીશભાઈ પરમાર નામના ખાનગી કંપનીમાં નોકરી કરતા સિવિલ એન્જીનિયરના મકાનમાં ગત તા.29 ના રોજ બપોરના 1 વાાગ્યાથી તા.06ના સવારે 11 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરે બેડરૂમમાં પ્રવેશ કરી દિવાલ કબાટનું ડ્રોવર ચાવી વડે ખોલી તેમાંથી રૂા.60,475 ની કિંમતની 17 ગ્રામની સોનાની બંગડી બે નંગ, રૂા.34,252 ની કિંમતની 8.600 ગ્રામની વજનની સોનાની બુટી બે નંગ તથા રૂા.34,770 ની કિંમતની 10.250 ગ્રામની સોનાની લેડીસ ડાયમંડની વિટી બે નંગ, તેમજ રૂા.33,820 ની કિંમતની 10.140 ગ્રામની જેન્સની સોનાની ડાયમંડસવાળી એક વીંટી મળી કુલ રૂા.1,63,317 ની કિંમતના 46.040 ગ્રામના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતાં.
આ અંગેની સંદિપભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને ગુનાશોધક શ્ર્વાન તથા એફએસએલની મદદ વડે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ જ હોવાની આશંકાએ તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતાં કેમ કે એપાર્ટમેન્ટમાં સિકયોરિટી અને કેમેરા હોવા છતાં કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી જાય તે શકય નથી. માટે પોલીસે ઘરમાં આવતા જતા કામ કરવાવાળા અને પાર્લરવાળાની પૂછપરછ આરંભી હતી.