જામનગર તાલુકાના સીક્કા ગામમાં ગોકુલપરી નવી ગૌશાળા બાજુમાં રહેતાં યુવકને કામ બાબતે પિતાએ આપેલા ઠપકાનું લાગી આવતા રાત્રિના સમયે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતાં યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી ગોકુલપરી નવી ગૌશાળાની બાજુમાં રહેતાં મુકેશ ગોરડિયા (ઉ.વ.19) નામના યુવકને કામ કરવા માટે તેના પિતા માલશીભાઈ ગોરડિયાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા મુકેશ માલશીભાઈ ગોરડિયા નામના યુવકે રવિવારે રાત્રિના સમયે તેના ઘરે પંખામાં હૂંકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે સીક્કાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે માલશીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનોક બ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો જેરામભાઈ ચકુભાઈ સોલંકી (ઉ.વ.45) નામના યુવાનને ગત તા.25 ના રોજ રાત્રિના સમયે એકાએક તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વિજયભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી. બી.લાઠીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.