જામજોધપુર તાલુકાના મેલાણ ગામના ધાર વિસ્તારમાં રહેતાં રબારી યુવાને તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાંચાતર ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના મેલાણ ગામના ધાર વિસ્તારમાં રહેતો તથા મજૂરી કામ કરતો કારાભાઈ કરમણભાઈ છેલાણ (ઉ.વ.30) નામના રબારી યુવાને ગત તા.25 ના રોજ બપોરના સમયે તેના ઘરે છતમાં આવેલા પીઢિયામાં રેસમની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ કિશોર દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે બનાવ સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા અલ્તાફ નુરમામદભાઈ ખીરા (ઉ.વ.31) નામના ડ્રાઈવિંગ કરતા યુવાને ગત તા.12 ના રોજ મધ્યરાત્રિના સમયે કાશી વિશ્ર્વનાથ રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઇ મહેબુબ દ્વારા જાણ કરાતા એેએસઆઈ બી.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાત કયા કારણોસર કર્યો ? તે તપાસ આરંભી હતી.