ખબર-જામનગર
જામનગરમાં ફરજ બજાવતા ટીઆરબીના જવાનોને છૂટા કરી દેવામાં આવનાર હોવાનો હુકમ કરવામાં આવતા ટીઆરબી જવાનો દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ટીઆરબી જવાનોને નોકરીમાં પરત લેવાની રજૂઆત કરવામાં આવી હતી. જો આ અંગે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જામનગર કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગરમાં ફરજ બજાવતા તમામ ટ્રાફિકબ્રિગેડના જવાનોને છૂટા કરવા માટે ડીજીપીના હુકમથી જે જવાનોએ 10 વર્ષ નોકરી કરી હોય તેને તા.30/11/2023 થી, પાંચ વર્ષ નોકરી કરી હોય તેને તા.31/12/2023 અને ત્રણ વર્ષ નોકરી કરી હોય તેને તા.31/03/2024 માં છૂટા કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું છે કે, ટીઆરબી જવાનો માત્ર 300 રૂપિયામાં ફરજ બજાવે છે અને આ નોકરીમાં પરિવારનું ગુજરાન ચાલે છે. તેઓ નબળા વર્ગના પરિવારમાંથી આવતા હોય જો છૂટા કરી દેવામાં આવશે તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેથી તેઓને નોકરીમાં પરત લેવા અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.