જામનગર શહેરના સાત રસ્તાથી વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં આતિથ્ય રેસ્ટોરન્ટ પાસે પાંચ દિવસ પૂર્વે રાત્રિના સમયે ચાલીને જતાં યુવાનને ઉડાવી દેવાની વાત કરતા બાઈકસવારે આ બાબતે પૂછપરછ કરતા બાઈકસવાર સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનને છરીનો ઘા ઝીંકી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવાનને હોસ્પિટલમાં જઇ ફરિયાદ ન કરવા ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગરમાં નિર્મલનગર શેરી નં.3 માં રહેતો અને ડ્રાઈવિંગ કરતો સિધ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.24) નામનો યુવાન મયુરસિંહ જાડેજા સાથે ગત તા.12 ના રાત્રિના સમયે ચાલીને સાત રસ્તાથી વાલ્કેશ્વરીનગરીમાં આદર્શ હોસ્પિટલવાળા ઢાળિયા પાસેથી જતા હતાં તે દરમિયાન ગુરૂદ્વારા ચોકડી તરફથી બાઈક પર આવેલા પ્રદિપસિંહ વાઘેલા નામના શખ્સે સિધ્ધરાજસિંહને ઉડાવી દેવાની વાત કરતા તે બાબતે પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા પ્રદિપસિંહ વાઘેલાને સિધ્ધરાજસિંહને છરીનો એક ઘા ઝીંકયો હતો. તેમજ સાથે રહેલા અજાણ્યા શખ્સે અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ મયુરસિંહ જાડેજાને પણ ઢીકાપાટુનો માર મારી કોઇ હથિયાર વડે માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા સિધ્ધરાજસિંહ અને મયુરસિંહને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર લઇ રહેલાં સિધ્ધરાજસિંહને પ્રદિપસિંહ વાઘેલા તથા યોગેશ પરમાર અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ હોસ્પિટલમાં આવી પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવ અંગેની જાણ કરતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે સિધ્ધરાજસિંહના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.