જામનગરમાં રશહેતા નિખીલ ભરતભાઇ ગુજરાતીએ પોતાના મિત્ર શક્તિ નરોતમભાઇ પરમાર પાસેથી નાણાકીય જરુરીયાત ઉપસ્થિત થતાં મિત્રતાના દાવે રૂા. 3 લાખ લીધા હતાં અને તે પેટે આરોપીએ આઇસીઆઇસીઆઇ બેંક, જામનગર શાખાનો રૂા. 3 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ પોતાની બેંકમાં જમા કરાવતા ચેક ફંડ ઇન્સફીશીયન્સના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ ચેક મુજબની રકમ દિન-15માં પરત ચૂકવી આપે તે મુજબની ફરિયાદીએ પોતાના વકીલ મારફત નોટીસ મોકલાવેલ હતી. જે નોટીસ બજી જતાં આરોપીએ લીગલ નોટીસનો જવાબ આપેલ ન હોય અને ચેક મુજબની રકમની માગણી કરવા છતાં ચૂકવેલ નહીં. જેથી ફરિયાદીએ જામનગરની અદાલતમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.
તે કેસ જામનગરના દસમા એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટમાં ચાલી જતાં અને સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરી ફરિયાદીના વકીલ નિતલ એમ. ધ્રુવની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી નિખીલ ભરતભાઇ ગુજરાતીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138ના ગુના સબબ ક્રિમીનલ પ્રોસિજર કોર્ડની કલમ 255(2) મુજબ આરોપીને 6 માસની સાદી કેદની સજા અને રૂા. 3 લાખનો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો અને જો દંડ ભરવામાં કસુર થાય તો વધુ 1 માસ સાદી કેદની સજા ભોગવવી તેવો હુકમ કર્યો હતો તથા આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય જેથી આરોપી વિરુધ્ધ સજાનો વોરંટ ઇસ્યૂ કરવામાં આવેલ છે. ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુન્દ્રા, અશ્ર્વિન એ. સોનગરા રોકાયેલ હતાં.