જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં પત્ની સાથે રીક્ષામાં જતાં યુવાને રસ્તામાં હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ યુવાનને અપશબ્દો બોલી લાત મારી રીક્ષામાંથી પછાડી દઇ લોખંડના પાઈપ વડે હુમલો કરતાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર 2 વિસ્તારમાં અબુ હનિફા મસ્જિદ પાસે રહેતાં કાસમભાઈ કરીમભાઈ સનેજા (ઉ.વ.30) નામનો યુવાન ગત તા.6 ના રોજ બપોરના સમયે તેની પત્ની શેરબાનુબેન સાથે રીક્ષા લઇને તેના ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં થાર ફોરવ્હીલ સાઈડમાં પાર્ક કરેલ હતી જેથી કાસમે રીક્ષાનું હોર્ન વગાડતા હજી અયુબ ખફી, અયાઝ અયુબ ખફી અને હાકીબ અયુબ ખફી નામના ત્રણ શખ્સોએ યુવાનને અપશબ્દો બોલી લાત મારી રીક્ષામાંથી નીચે પાડી દીધો હતો. તેમજ થારમાંથી લોખંડનો પાઈપ કાઢી રીક્ષાચાલક કાસમના માથા ઉપર હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો. યુવાન ઉપર થયેલા હુમલામાં ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત કાસમના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગાળો કાઢી હુમલો કર્યાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.