જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જૂગાર સ્થળે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.30320 ની રોકડ રકમ સાથે આઠ મહિલાઓને ઝડપી લીધી હતી. જામનગરના નાઘેડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પંચ બી પોલીસે રૂા.15,730 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નં.5 માં રહેતા મહિલા તેણીના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન આઠ મહિલાઓને ઝડપી લઇ રૂા.30,320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રણમલ દેવા સીંધીયા, કારુ સીદા જામ, ખીમાણંદ માલદે સીંધીયા, રમેશ એભા માડમ, ધના કરશન લુણા, મેઘા ભારા ખીમાણી નામના છ શખ્સોને રૂા.15,730 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.