દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં જિલ્લા પંચાયતના કરોડો રૂપિયાના વિવિધ કામોના ટેન્ડરો અપાઈ ચૂક્યા છે અને તેની કામગીરી ચાલુ થઈ ગઈ છે. ત્યારે અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા યેનકેન પ્રકારે હજુ સુધી કામો પૂર્ણ ન થતા આ અંગે આકરા પગલાઓ તોળાઈ રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા સહિતના વિવિધ વિકાસ કામોના નિયમ મુજબ ટેન્ડર અપાઈ ગયા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા લાંબા સમયે નિયત કામગીરી હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી. આ પ્રકારે આશરે બે ડઝનથી વધુ એજન્સીઓ – કોન્ટ્રાક્ટરો દ્વારા તેઓની બાકી કામગીરીના મુદ્દે આજરોજ સોમવારે બપોરે જિલ્લા પંચાયત કચેરીમાં ખાસ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટરોને રૂબરૂ ઉપસ્થિત રહેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગની કાર્યપાલક ઇજનેર કચેરી દ્વારા લેખિત આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ અંગે જવાબદાર સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ અનેક કોન્ટ્રાક્ટરોને બે વર્ષથી વધુ સમય પૂર્વે સોંપવામાં આવેલી જવાબદારી તેઓ હજુ સુધી પૂર્ણ કરી શક્યા નથી. એક અંદાજ મુજબ જિલ્લામાં આશરે રૂપિયા 50 કરોડના કામો નિયત સમયમાં પૂર્ણ થયા નથી. ત્યારે હવે જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જવાબદાર તંત્ર દ્વારા આ અંગે આકરા પગલાંઓ લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.


