જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોર પાસેથી લીધેલી 3 લાખની રકમનું 15 ટકા જંગી વ્યાજ સહિત રૂા. 16.65 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરે ટાંટિયા ભાગી અને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં યુવાનની પત્નિ દ્વારા વ્યાજખોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
વ્યાજખોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર સાયના શેરીમાં રહેતા અને લાલપુર તાલુકાના રાફુદળ ગામના વતની જશાલાલ મોહનભાઇ મઘુડિયા નામના યુવાને તેના વ્યવસાય માટે જામનગરના મહેશ મુળજી ભુસા પાસેથી 15 ટકાના જંગી વ્યાજે 3 લાખની રકમ લીધી હતી. આ 3 લાખની રકમ પેટે યુવાને વ્યાજ સહિત રૂા. 16 લાખ 65ની રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર મહેશ દ્વારા જશાલાલને ફોન ઉપર ટાંટિયા ભાગી નાખવા તથા પતાવી દેવાની ધાકધમકી આપી યુવાનની સહીવાળા કોરા ચેક પડાવી લીધા હતા. આ અંગે યુવાનની પત્નિ લલીતાબેન દ્ગારા વ્યાજખોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ.વી. સરવૈયા તથા સ્ટાફે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.