ગ્રામ પંચાયતોની ચૂંટણી સમયસર ન થવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને થતી હાલાકી ભોગવવી પડી રહી છે. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિતકરાઓ અને ગ્રામ પંચાયતોની મુદ્ત પૂર્ણ થઇ ગયેલ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં મુદ્ત પૂર્ણ થઇ ગયેલ હોય તેવા ગામડાંઓનો વિકાસ થંભી ગયો છે. પંચાયતોની મુદ્ત પૂર્ણ થઇ ગયેલ ગામડાંઓમાં મુખ્યત્વે પીવાના પાણીના તેમજ સફાઇના પ્રશ્ર્ને ગ્રામજનોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. વહીવટદારો નિયમિત ગામડાંઓની મુલાકાતે જઇ શકતા ન હોવાના લીધે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.
વધુમાં તેમના વિસ્તારના જામજોધપુર-લાલપુરમાં અનુક્રમે 34 અને 47 ગામોમાં પંચાયતોની મુદ્ત પૂર્ણ થઇ ગયેલ હોવાના લીધે હાલ છેલ્લા સાત-આઠ મહિનાઓથી વહીવટદારો દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે. ઉપરોક્ત વહીવટદારોમાં સરકારી કચેરીના તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવકો, કલાર્ક અને વિસ્તરણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. જેના કારણે તેઓ પાસે તેમના રુટીન કામો ઉપરાંતની આ વધારાની જવાબદારી આવેલ છે. જામજોધપુર તાલુકામાં હાલની સ્થિતિએ 70 ગામોમાં તલાટી-કમ-મંત્રીની સંખ્યા માત્ર 20 જ છે. જ્યારે લાલપુર અછત હોવાના લીધે વહીવટદારો ગ્રામ પંચાયતના કામોમાં પુરતો સમય આપી શકતા નથી. જેના પરિણામે ગામડાંઓના વિકાસના કાર્યો અટકી પડયા છે.
જામજોધપુર તાલકુામાં હાલની સ્થિતિએ વિવિધ યોજનાઓના હેઠળના વિકાસના કુલ 500 જેટલા કામોની સમય મર્યાદા માર્ચ-2024માં પૂર્ણ થવા પર હોય જેથી તે તમામ ગ્રાન્ટ વણવપરાયેલ રહેવાના લીધે લેપ્સ થઇ જશે. માટે ગામડાંઓમાં વિકાસના કાર્યો માટેની ગ્રાન્ટ વણવપરાયેલ પડી ન રહે તેમજ ગામડાંઓના લકોના સુખાકારીના કાર્યો સમયસર પૂર્ણ કરી શકાય તે માટે મુદ્ત પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી વહેલામાં વહેલી તકે યોજવા ધારાસભ્ય હેમતભાઇ ખવા દ્વારા રાજ્ય ચૂંટણી કમિશનરને તાત્કાલિક યોગ્ય હકારાત્મક પગલાં લેવા પત્ર દ્વારા રજૂઆત કરી છે.