દ્વારકામાં નગરપાલિકા કચેરીની પાછળના ભાગે એક પ્રાથમિક શાળા સામે રહેતા મંગા મુરુભાઈ ચાનપા નામના 25 વર્ષના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની માહિતી સ્થાનિક પોલીસ સ્ટાફને મળતા આ અંગે પી.આઈ. ટી.સી. પટેલના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ સ્ટાફે આ સ્થળે દરોડો પાડયો હતો.
અહીં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા મંગા મુરૂ ચાનપા, કિશોર રામજી કારાણી, મનોજ ઉર્ફે રાજ ખીમજી ચાનપા, દિલીપ ઘેલાભાઈ ચાનપા, વિનુ ગોદળ માંગલીયા, નિરંજન હરીશભાઈ ચાનપા, દેવા સોમાભાઈ હાથીયા અને ખેંગાર વેજા માંગલીયા નામના આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 15,150 રોકડા તથા રૂપિયા 15,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 30,650 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.