Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં લાંચ લેતા ઝડપાયેલા નાયબ કાર્યપાલક ઇજનેરને ત્રણ વર્ષની કેદ

ખંભાળિયામાં લાંચ લેતા ઝડપાયેલા નાયબ કાર્યપાલક ઇજનેરને ત્રણ વર્ષની કેદ

- Advertisement -

ખંભાળિયામાં માર્ગ મકાનમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત્ત એવા નાયબ કાર્યપાલક ઇજનેરને એ.સી.બી. પોલીસે રૂ. એક હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના ધરમપુર સીમ વિસ્તારમાં રહેતા એક આસામી દ્વારા જામનગર જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં સાઈન બોર્ડ વિગેરેનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો. આ અંગેનું કામ તારીખ 28 એપ્રિલ 2005 ના રોજ પૂર્ણ થયું હતું.

આ કામના ફાઇનલ બિલ તૈયાર કરવા માટે ખંભાળિયાની માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા સલીમભાઈ હુસેનભાઈ ઠેબા દ્વારા ફરિયાદી આસામી પાસેથી રૂપિયા 1,500 ની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી રૂપિયા 1,000 તેઓ તારીખ 1 જૂન 2006 ના રોજ આપવા માટે તૈયાર થયા હતા.
લાંચની રકમ ફરીયાદી આસામી આપવા માંગતા ન હોય, જેથી એ.સી.બી. વિભાગને જાણ કરતા એ.સી.બી. પોલીસે ઉપરોક્ત નાયબ કાર્યપાલક ઇજનેરને રોકડ રકમની લાંચ લેતાં છટકામાં દબોચી લીધા હતા અને તેમની સામે જામનગર એ.સી.બી. પોલીસ મથકમાં તા. 2 જૂન 2006 ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ બીજા એડિશનલ સેશન્સ જજ વી.પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં પંચો તથા સાહેદોની તપાસ તેમજ તપાસનીસ અધિકારીની જુબાની સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે હાલ નિવૃત્ત નાયક ઈજનેરને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular