ખંભાળિયામાં નગર વિસ્તારમાં રહેતા રમેશગર ત્રિકમગર ગોસ્વામી નામના 55 વર્ષના આધેડનો પુત્ર પારસ જેલમાંથી છૂટીને આવેલો હોય, જેથી આજ વિસ્તારમાં રહેતા અજયગીરી પ્રતાપગીરી ગોસ્વામી, સચિનગીરી અજયગીરી ગોસ્વામી, ભાવેશગીરી ઉર્ફે ટીનો બળવંતગીરી ગોસ્વામી, હિરેનગીરી પ્રતાપગીરી ગોસ્વામી અને પ્રિયંકાબેન અજયગીરી ગોસ્વામીએ એકસંપ કરીને ફરિયાદી રમેશગરના ઘર પાસે જઈ અને તેમના પુત્રને બેફામ માર મારી, ઇજાઓ પહોંચાડી હતી.
એટલું જ નહીં, આરોપી શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ફરિયાદ રમેશગર ગોસ્વામીએ અહીંના પોલીસ મથકમાં નોંધાવી છે.
સામા પક્ષે ઈશ્વરગીરી ઉર્ફે અજયગીરી પ્રતાપગીરી ગોસ્વામી (ઉ.વ. 40, રહે, બરછા સ્ટ્રીટ) એ પારસ રમેશગર ગોસ્વામી, રેખાબેન રમેશગર ગોસ્વામી, અલ્પાબેન રમેશગર ગોસ્વામી, જુલી રમેશગર ગોસ્વામી અને રમેશગર ત્રિકમગર ગોસ્વામી નામના પાંચ શખ્સો સામે નોંધાવી છે. અગાઉની માથાકૂટનો ખાર રાખીને ઉપરોક્ત શખ્સોએ હુમલો કરી ઇજાઓ કર્યાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.