દ્વારકામાં નાગેશ્વર વિસ્તારમાં રહેતા અનિલભા શિવુભા માણેક નામના 25 વર્ષના હિન્દુ વાઘેર યુવાનના મામા મેરુભા વાલાભા માણેક સાથે આરોપીઓ પાલાભા લઘુભા માણેક (મૂળ રહે. મેવાસા અને હાલ દ્વારકા), જગાભા બાલુભા સુમણીયા, હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર અને રઘુવીરસિંહ સુરેન્દ્રસિંહ કેર સાથેના જુના મનદુ:ખનો ખાર રાખીને ઉપરોક્ત આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચીને ચારેય શખ્સો સાથે આવેલા અન્ય બે અજાણ્યા શખ્સોએ દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે મોડી રાત્રિના સમયે છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી અને તથા જાનથી મારી નાખવાની કોશિશ કરતા ફરિયાદી તથા તેમની સાથેના સાહેદ રણમલભા સુમણીયા નાસી છૂટ્યા હતા. આગળ જતા બે અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી, બંનેને ઈજાઓ પહોંચાડતા આ પ્રકરણમાં અનિલભા સુમણીયાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે બે અજાણ્યા સહિત છ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 307, 120 (બી) 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સામા પક્ષે મૂળ મેવાસા ગામના વતની અને હાલ દ્વારકામાં સરકારી અનાજના ગોડાઉન પાસે રહેતા પાલાભા માણેક (ઉ.વ. 35) એ રણમલભા સામરાભા સુમણીયા તથા તેના ભાઈ ઉપરાંત બાબુ સામરાભા સુમણીયા અને અનિલ શિવુભા સુમણીયા તથા ઉદય ઉર્ફે ટોમીયો શિવુભા સુમણીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ 26 મીના રોજ રાતે સવા વાગ્યાના સમયે દ્વારકાના ઇસ્કોન ગેઈટ પાસે પાલાભાના મિત્ર સાથે આરોપીઓ બોલાચાલી કરી અને ગાળાગાળી કરી રહ્યા હતા.
આરોપીઓ પાસે છરી તથા લોખંડના પાઇપ જેવા હથિયારો હોવાથી વધુ ઝઘડો ન થાય તે માટે પાલાભા તથા તેના મિત્ર છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. પરંતુ આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ તથા છરી વડે તેઓ ઉપર હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી, ઈજાઓ પહોંચાડી હતી. આ પ્રકરણમાં પોલીસે પાલાભા લઘુભા માણેકની ફરિયાદ પરથી તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.