જામનગર તાલુકાના ગાગવા ગામમાં પાણીના અવેડા પાસે ઠપકો આપ્યાનો ખાર રાખી પાંચ-છ શખ્સોએ યુવાન સહિતના બે વ્યક્તિઓને પથ્થરના છૂટા ઘા મારી મુંઢ માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાની વિગત મુજબ, જામનગર તાલુકાના ગાગવા ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં રહેતાં અને રીક્ષા ચલાવતા નીતિન બગડા નામના યુવાનના કાકા વિનોદભાઈ એ પ્રવિણને ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી શનિવારે રાત્રિના સમયે પ્રવિણ સામત બગડા, પ્રકાશ લખમણ ગીંગર, વિજય હિતેન્દ્ર ખરા, રાજેશ ખીમસુુરીયા, ગોવિંદ સામત બગડા નામના છ શખ્સોએ એકસંપ કરી નીતિનને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ પ્રકાશ ગીંગર અને સંજય બગડાએ હાથમાં પહેરેલા કડા તથા પથ્થરોના છૂટા ઘા માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત વિજય ખરા, રાજેશ ખીમસુરીયા, ગોવિંદ બગડા સહિતના શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગેની જાણ કરાતા હેકો સી.ડી. ગાંભવા તથા સ્ટાફે નીતિન બગડાના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.