પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્થિત ’દ્વારકા’ સ્ટેશન પર 17 અને 18 ઓક્ટોબરના રોજ ’સ્ટેશન મહોત્સવ’ ઉજવવામાં આવ્યો હતો. આ બે દિવસીય ’સ્ટેશન મહોત્સવ’માં દ્વારકા સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશન ખાતે રેલવે અને દ્વારકા સ્થિત પ્રવાસન સ્થળોના ઈતિહાસને લગતા ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન પર બનાવેલી રંગોળી મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્ટેશન પર લગાડવામાં આવેલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ રેલવેના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી મેળવી હતી. આ પ્રસંગે પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય ગરબા અને નુક્કડ નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને રેલવે મુસાફરોએ ખૂબ વખાણ્યું હતું. સ્ટેશન પરિસરમાં રાખવામાં આવેલ હેરિટેજ સ્ટીમ એન્જિન મુસાફરોમાં સેલ્ફી લેવાનું પ્રિય સ્થળ બની ગયું છે. આ ઉત્સવ દરમિયાન દ્વારકા રેલવે સ્ટેશન અને સ્ટેશન પરિસરમાં રાખવામાં આવેલા હેરિટેજ સ્ટીમ એન્જિનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આ પ્રસંગે પશ્ચિમ રેલવે ‘ગૌરવપૂર્ણ અતીત થી લઈને ગતિશીલ વર્તમાન સુધીનું સફર’ વિષય પર બનાવેલી લઘુ ફિલમ દ્વારકા સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવી હતી. દ્વારકા ના સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની રમણલાલ વાયડાના પત્ની મનોરમાબેન રમણલાલ વાયડા, ડીઆરયુસીસી સભ્યો દીપક રવાણી અને ચંદુભાઈ બારાઈ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારકાના પ્રમુખ રમણભાઈ સામાણી, શિવ ગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ઝાખરીયા અને મીડિયાના પ્રતિનિધિઓએ સ્ટેશન ની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજકોટ ડિવિઝનના આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર હિતેશ જોષીએ સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાનીના પત્ની મનોરમાબેન રમણલાલ વાયડાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્ર્વિની કુમારે ’સ્ટેશન મહોત્સવ’ કાર્યક્રમના સફળ આયોજન બદલ વિભાગના વિવિધ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.