જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા પ્રોવીઝન સ્ટોર્સમાં બનાવટી ઘી નું વેંચાણ કરાતું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે ફુડ વિભાગના અધિકારીઓ સાથે રેઇડ દરમિયાન રૂા.12,250 ની કિંમતનું 35 કિલો ભેળસેળયુકત ઘી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર સાયોનાવાળી શેરીમાં આવેલા ઘનશ્યામ પ્રોવીઝન સ્ટોર્સમાં બનાવટી ઘી નું વેંચાણ કરાતું હોવાની એસઓજીના સંદિપ ચુડાસમા, ચંદ્રસિંહ જાડેજા, દિનેશ સાગઠીયા, અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી એન ચૌધરી અને પીએસઆઈ જે.બી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી રેઈડ દરમિયાન હસમુખ રમણિક વસોયાના ઘનશ્યામ પ્રોવીઝન સ્ટોર્સમાંથી તલાસી લેતા રૂા.12,250 ની કિંમતનું 35 કિલો ભેળસેળયુકત ઘી મળી આવતા પોલીસે શંકાસ્પદ ભેળસેળયુકત ઘી કબ્જે કરી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.