જામનગર શહેરના કાલાવડ નાકા બહાર એસટી ડીવીઝનની બાજુના વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન 1476 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો, 528 નંગ દારૂના ચપલા, એક અશોક લેલેન્ડ ગાડી અને ત્રણ મોબાઇલ સહિતનો રૂા.11,26,920 ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને દબોચી લઇ પૂછપરછ આરંભી હતી.
દરોડા અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર એસ.ટી. ડીવીઝનની બાજુમાં આવેલી ગુરૂદત સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની પો.કો. યોગેન્દ્રસિંહ સોઢા, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા અને હેકો રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રમેશ સતવારાના મકાનમાંથી રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.7,38,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 1476 બોટલ અને 73,920 ની કિંમતના 528 નંગ દારૂના ચપલા તેમજ 15000 ની કિંમતના ત્રણ મોબાઇલ અને એક અશોક લેલેન્ડ ગાડી રૂા. ત્રણ લાખની મળી કુલ રૂા.11,26,920 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે દારૂના જથ્થા સાથે સંદીપ રાજેશ સોમૈયા, મહેન્દ્ર ઉર્ફે બાડો રતીલાલ રાયઠઠ્ઠા, દિલપેશ રમેશ નકુમ, રમેશ જેરામ નકુમ નામના ચાર શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાજેશ રબારી અને જામનગરના સાધના કોલોનીમાં રહેતા અભય ઉર્ફે શેરો મુકેશ બદિયાણી નામના બે બુટલેગરો દ્વારા આ દારૂનો વિશાળ જથ્થો સપ્લાય કર્યો હોવાનું ખુલતા સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.