જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા ભુજના શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂની 50 બોટલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગરના રણજીતસાગર રોડ પર બાઇક પર જતા તરૂણ સહિતના બે શખ્સોને પોલીસે ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં સાંઢીયા પુલ પરથી પસાર થતા શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. જામનગર જિલ્લાના ગાગવાધાર પાસેથી પોલીસે દારૂની બે બોટલ સાથે જામનગરના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં ખોડિયાર કોલોની રાજ ચેમ્બર સામે આવેલા બસ સ્ટેન્ડ પાસેથી એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી તથા સ્ટાફે વોચ ગોઠવી રાજેન્દ્રસિંહ રામુભા જાડેજા (રહે. ખીરસરા, કોઠારા ગામ તા.અબડાશા, જિ.કચ્છ-ભૂજ) નામના આર્મીમાં નોકરી કરતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી પરમીટ વગરની રૂા.39,920ની કિંમતની 50 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા એલસીબીએ રાજેન્દ્રસિંહની ધરપકડ કરી ગુનો નોંધી સીટી સી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.
બીજો દરોડો, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પરથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જીજે-10-બીએમ-8622 નંબરના બાઈક પર જતાં ઘનશ્યામ પ્રવિણ ચૌહાણ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ઘનશ્યામ અને પાછળ બેસેલા તરૂણને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો નંદનવન પાર્કમાં રહેતાં દુષ્યંતસિંહ ભરતસિંહ પીંગળ દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલતા સિટી એ ડીવીઝન પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના ગાગવાધાર ગામ પાસેથી પસાર થતા કાનજી નરશી દેગામા નામના શખ્સને આંતરીને મેઘપર પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના સાંઢીયા પુલ પાસેના રોડ પરથી પસાર થતા કરશન રામ સાવધરીયા નામના શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની દારૂની બોટલ મળી આવતા સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે કરશનની ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી હતી.