જામનગર શહેર અને જિલ્લામાંથી અવાર-નવાર નશીલા પદાર્થનું વેંચાણ કરાતું હોવાની ઘટનાઓ અનેકગણી વધી ગઇ છે. સમયાંતરે નશીલા પદાર્થનું વેંચાણ કરાતું હોવાનું અથવા તો જથ્થો સપ્લાય કરતા હોવાનું જાહેર થતું રહે છે. જામનગર શહેરના વુલનમીલ રેલવે ફાટક પાસેથી એસઓજીની ટીમે 130 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મહિલાને દબોચી લીધી હતી.
સંવેદનશીલ રહેલા હાલારનો દરિયાકિનારો ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત બની ગયો છે. અગાઉ પણ આ દરિયાકિનારેથી નશીલા પદાર્થોની ઘુષણખોરી કરવામાં આવતી હતી. જો કે, હાલ પોલીસની સતર્કતાને કારણે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવામાં મહદઅંશે સફળતા મળી છે. પરંતુ, શહેર અને જિલ્લામાંથી નશીલા પદાર્થોનું બેરોકટોક વેંચાણ થતું હોવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આવા જ એક બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વુલનમીલ ફાટક પાસે બાવરીવાસમાં રહેતી મહિલા દ્વારા બહારથી ગાંજો મંગાવી વેંચાણ કરાતું હોવાની એસઓજીના રાજેશ મકવાણા, હર્ષદ ડોરીયા, સંદીપ ચુડાસમાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી એન ચૌધરી અને પીએસઆઈ જે ડી પરમાર તથા સ્ટાફ દ્વારા બાવરીવાસના જોગણીનગરમાં ઝુંપડામાં રેઈડ દરમિયાન એસઓજીએ શાંતાબેન કિશોર કોળી નામની મહિલાને રૂા.1300 ની કિંમતના 130 ગ્રામ ગાંજાના જથ્થા સાથે તથા 500 ની કિંમતનો એક મોબાઇલ અને ગાંજાના વેંચાણના રૂા.4480 મળી કુલ રૂા.6280 ના મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી હતી.
એસઓજી દ્વારા મહિલાની પૂછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો ધરારનગરમાં રહેતાં અવધેશકુમાર નામના શખ્સ પાસેથી વેંચાણ અર્થે મંગાવ્યો હોવાની કેફીયત આપતા પોલીસે મુળ બનાસકાંઠાના પાલનપુર ગામની વતની શાંતાબેન અને અવધેશકુમાર વિરૂધ્ધ એનડીપીસી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ માટે સીટી સી ડીવીઝન પોલીસને સોંપી આપ્યા હતાં.