માંગરોળ પંથકના રહીશ એવા 23 વર્ષના એક આહીર યુવાને ગઈકાલે પોતાના સ્ટાફ ક્વાર્ટર ખાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા અને મૂળ માંગરોળ તાલુકાના ભોએજ ગામના રહીશ એવા બળદેવભાઈ માલદેભાઈ વારોતરીયા નામના 23 વર્ષના યુવાને પોતાના દવાખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.
આ બનાવ અંગે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મૂળ વતની અને હાલ કલ્યાણપુરના સરકારી દવાખાનાના ક્વાર્ટર બી-ટુ માં રહેતા શૈલેષભાઈ છગનભાઈ છાંટાળા (ઉ.વ. 36) દ્વારા કોઈ અકળ કારણોસર બળદેવભાઈએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની જાણ સ્થાનિક પોલીસમાં કરવામાં આવી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે. આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવથી સ્થાનિક કર્મચારીઓ તેમજ પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.