ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આધેડે આર્થિક સંકળામણમાં આવી અને નાછૂટકે ઝેરી દવા પીને આપધાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે સંદર્ભે મૃતકના પુત્રી દ્વારા સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણમા પોલીસે મુખ્ય આરોપી એવા રમેશભાઈ ભાયાભાઈ પિઠીયા, તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત તેમના ભાણેજ મુકેશ મેરામણ નંદાણીયાની વિધિવત રીતે અટકાયત કરી, ગત સાંજે ખંભાળિયાની અદાલતમાં રજૂ કર્યા હતા. આ સંદર્ભે તપાસનીસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ માટે, આ પ્રકરણમાં થયેલા આર્થિક વ્યવહાર ઉપરાંત બેન્ક ટ્રાન્જેક્શન સહિતના મુદ્દે સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીઓના તા. 13 મી સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.