જામનગર શહેરમાં રોયલ લેન્ડ રાજપાર્કની બાજુનાં વિસ્તારમાં રહેતાં વેપારી યુવાને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારીથી કંટાળીને શેખપાટ ગામની સીમમાં આવેલા તેના ખેતરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રોયલલેન્ડ રાજપાર્ક પાસે આવેલા જડેશ્ર્વર સ્ટોરેજ પાછળ રહેતાં વેપારી અમીત હરીશભાઈ ભેંસદડિયા (ઉ.વ.39) નામના યુવાનને ત્રણ વર્ષથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી થઈ હતી. તેમજ આ બીમારીની દવાઓ ચાલુ હોવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી ગુમસુમ રહેતાં અમીતે જિંદગીથી કંટાળીને ગત તા.24 ના સવારના સમયે જામનગર તાલુકાના શેખપાઠ ગામની સીમમાં આવેલા તેના ખેતરે જઇ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે બપોરે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ કેતનભાઈ દ્વારા જાણ કરાતા હે કો બી એચ લાંબરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.