દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા કે જેનો વિકાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, અહીં સંલગ્ન ખાનગી કંપનીઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વેપાર સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને ખંભાળિયા નગરપાલિકા વિસ્તારની આજુબાજુ આવેલી જુદી-જુદી ચાર ગ્રામ પંચાયતોને ખંભાળિયા પાલિકા હેઠળ ભેળવવા માટેની તજવીજે હવે વધુ વેગ પકડ્યો છે.
ખંભાળિયા શહેરની વસ્તી આશરે 40 થી 42 હજાર જેટલી હોવાના કારણે ખંભાળિયા નગરપાલિકા સી ગ્રેડ હેઠળ આવે છે. સી ગ્રેડમાં હોવાના કારણે સરકારના નિયમ મુજબ મર્યાદિત રકમની ગ્રાન્ટ આવે છે. ખંભાળિયા શહેરએ જિલ્લાનું મુખ્ય મથક હોવાના કારણે ખંભાળિયાનો વિકાસ થાય અને મહત્તમ લાભ મળે તે હેતુથી જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા શહેરની આજુબાજુની ગ્રામ પંચાયતોના વિસ્તારોની જમીન ખંભાળિયામાં ભળે તે માટે અને પાલિકાનો વ્યાપ – વિસ્તાર વધુ થવા ઉપરાંત વધુ વિકાસ થાય તે બાબતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ખંભાળિયા શહેર નજીકની ધરમપુર, રામનગર, શક્તિનગર અને હર્ષદપુર એમ ચાર ગ્રામ પંચાયતો ખૂબ જ સંલગ્ન અને જાણે એક જ વિસ્તાર હોય તે રીતે સામસામે ગલીઓમાં આવેલી છે. આ વિસ્તારમાં નગરપાલિકા તથા ગ્રામ પંચાયતની મિલ્કતો તદ્દન બાજુ બાજુમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિ મુજબ ગ્રામ પંચાયતોનો વ્યાપ વિસ્તાર વધુ હોવા વચ્ચે તેમને ખૂબ જ નહિવત ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે. જ્યારે ખંભાળિયા નગરપાલિકાને સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે. જે માટે ક્યારેક તો પૂરતું આયોજન કરવું પણ અઘરું બની રહે છે.!
આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને જિલ્લા કલેકટર અશોક શર્મા, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા સ્થાનિક ગ્રામ પંચાયતો અને નગરપાલિકાના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. આગામી તારીખ 9 ઓક્ટોબરના રોજ નગરપાલિકાની સામાન્ય સભામાં પણ ગ્રામ પંચાયતોના વિસ્તારો ખંભાળિયા નગરપાલિકામાં ભેળવવા માટેનો ઠરાવ એજન્ડામાં લેવામાં આવ્યો છે.
આ માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ધરમપુરના અગ્રણી અને જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ દ્વારા ચારેય ગ્રામ પંચાયતોના સરપંચ, તલાટી મંત્રી તેમજ આગેવાનો સાથે મીટીંગ કરી આ બાબતને વેગવંતી બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે.