લાલપુર તાલુકાના સીંગચ ગામમાંં સરકારી દવાખાના સામેના વિસ્તારમાં એક જ ફળિયામાં રહેતાં શખ્સે તેની બાજુમાં રહેતાં વૃદ્ધા ઉપર પશુ બાંધવાનો ખાર રાખી લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સીંગચ ગામમાં રહેતાં અને ખેતી કરતા મનસુખભાઈ મોહનભાઈ નકુમ તેમના પરિવાર સાથે જે ફળિયામાં રહેતાં હતાં તેની બાજુમાં જ અશોક હરી નકુમ અને તેમનો પરિવાર રહેતો હતો પરંતુ, અશોકને મનસુખના પરિવારજનો ગમતા ન હતાં. દરમિયાન મંગળવારે સવારના સમયે મણીબેન મોહનભાઈ નકુમ (ઉ.વ.62) નામના વૃદ્ધા તેના ફળિયામાં વાડામાં ફુલ લેવા જતા હતાં તે દરમિયાન અશોક હરી નકુમ નામનો પાડોશી શખ્સ પણ ત્યાં હાજર હતો અને વૃદ્ધા સાથે વાડામાં પશુ બાંધવાની બાબતે ઉગ્ર બોલાચાલી કરી લાકડાના ધોકા વડે અશોકે મણીબેન નકુમ નામના વૃદ્ધાના માથામાં તેમજ મોઢા ઉપર જીવલેણ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં વૃદ્ધા સ્થળ પર ઢળી પડયા હતાં. બાદમાં વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની જાણ મૃતકના પુત્ર મનસુખભાઈ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ બી બી કોડીયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો અને પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે તેના જ મોટાબાપુના પુત્ર અશોક હરીભાઈ નકુમ નામના શખ્સ વિરૂધ્ધ હત્યાનાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.