ખંભાળિયા નગરપાલિકામાં વર્ષોથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા વિધવા મહિલા સફાઈ કામદાર લલીતાબેન છગનભાઈ થોડા સમય પૂર્વે અચાનક ગંભીર રીતે બીમાર થયા બાદ તેણીનું બીમારીગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું.
આ વચ્ચે ગત તારીખ 20 મી સપ્ટેમ્બરના રોજ તેમના દ્વારા પોતાની ગંભીર બીમારીના ઈલાજ માટે પોતાના પી.એફ. એકાઉન્ટમાંથી ખાસ કિસ્સા તરીકે રૂપિયા એક લાખની લોનની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ લોનની રકમ નગરપાલિકા દ્વારા સમયસર ચૂકવવામાં ન આવતા પાલિકાની આ ઘોર બેદરકારી અને નાણાકીય ભીડ વચ્ચે લલિતાબેનનું તારીખ 28 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હોવાનું કહેવાય છે.
આ બાબતે ગુજરાત સફાઈ કામદાર મહાસંઘના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલાએ એક પત્રમાં જણાવ્યું છે કે નગરપાલિકાની આ બેદરકારીના કારણે મહિલા સફાઈ કામદારનું મૃત્યુ થતાં સફાઈ કામદારોમાં વ્યાપક રોષ વ્યાપેલ છે. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ ઉપેક્ષાના કારણે મહિલા સફાઈ કામદારના મોતના મામલે “ગુજરાત સફાઈ કામદાર મહામંડળ” દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગને ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.