જામનગર શહેરના સાધના કોલોનીમાં રહેતા યુવાન ઉપર એક વર્ષ પહેલાં સામસામે થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી એક શખ્સે ઘરમાં ઘુસી યુવાન ઉપર છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સાધના કોલોની એમ-8માં રુમ નં. 2600માં રહેતો અને મજૂરીકામ કરતાં હર્ષ પરેશભાઇ મહેતા નામના યુવાન અને બિપીન ચાવડા નામના શખ્સ સાથે એક વર્ષ પહેલા થયેલી માથાકૂટ સંદર્ભે સામસામી પોલીસ ફરિયાદ થઇ હતી. આ પોલીસ ફરિયાદનો ખાર રાખી રવિવારે બપોરના સમયે સાધના કોલોનીમાં જ રહેતો બિપીન સોમા ચાવડા નામના શખ્સે હર્ષના ઘરમાં પ્રવેશ કરી જેમ-ફાવે તેમ અપશબ્દો કહેતાં હર્ષે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા બિપીને પેન્ટના નેફામાંથી છરી કાઢી હર્ષ ઉપર હુમલો કર્યો હતો. છરી વડે કરેલા હુમલામાં ઘવાયેલા હર્ષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતાં પીએસઆઇ ટી.ડી. બુડાસણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ હર્ષના નિવેદનના આધારે બિપીન વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.