કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટીયા પાસેથી નકલી પોલીસ બનીને રોફ જમાવતા એક શખ્સને પોલીસે ઝડપી લઇ બાઈક, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.35000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મોટા વડાળા ગામના પાટીયા પાસે એક શખ્સ રાજકોટ પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ જાડેજા હોવાની ઓળખ આપી રોફ જમાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે કાલાવડ ગ્રામ્ય પીએસઆઇ એચ.વી. પટેલ સહિતના સ્ટાફ દ્વારા શખ્સને પુછતા તે રાજકોટ પોલીસમાં નોકરી કરે છે અને પોતાનું નામ ધવલસિંહ જાડેજા બતાવ્યું હતું. જેથી અસલી પોલીસે તેનું આઈકાર્ડ બાબતે પૂછપરછ કરતા આઈકાર્ડ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ઉંડાણપુર્વકની પૂછપરછ કરતા પોતાનું નામ સાહીલ રફિક બ્લોચ જણાવ્યું હતું અને જામજોધપુરમાં એનપીકેવી સ્કુલ સામે ભૂતમેડી પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપી પોતે રાજ્ય સેવક નહીં હોવા છતાં રાજકોટ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રોફ જમાવતો હોવાનો ગુનો નોંધી તેના કબ્જામાંથી રૂા.30000 ની કિંમતનું જીજે-10-ડીકયુ-6677 નંબરનું મોટરસાયકલ તથા પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.35000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.