દ્વારકામાં મીઠાપુરના ચાર શખ્સો દ્વારા ત્રણ યુવાનોને ગોંધી રાખી, બેફામ માર મારી, જુગારમાં ચીટિંગ કર્યું હોવાનો આક્ષેપ કરીને રોકડ રકમની લૂંટ ચલાવવા અંગેનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના મૂળ વતની અને હાલ મીઠાપુર નજીકના સુરજકરાડી ગામે રહેતા હિરેનભાઈ કરસનભાઈ ચાનપા નામના 35 વર્ષના યુવાને દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ દ્વારકામાં રહેતા પ્રકાશ કારાણી તથા રાજ ઉર્ફે મુન્નો ચાનપા સાથે અગાઉ ફરિયાદી હિરેનભાઈ તેમજ તેમની સાથે સાહેદ કિશોરભાઈ અને ઇમરાન દ્વારા જુગાર રમવામાં આવ્યો હતો. જે સંદર્ભે આરોપીઓએ ફરિયાદી હિરેનભાઈ પાસેથી રકમ લૂંટી લેવા અંગેનું કાવતરું રચી અને આરોપી રાજ ચાનપાએ હિરેન, કિશોરભાઈ તથા ઇમરાનને દ્વારકાના મેઘવાર પાડો વિસ્તારમાં રહેતા પ્રકાશ કારાણીના ઘરે બોલાવ્યા હતા.
અહીં આરોપીઓએ હિરેન, કિશોરભાઈ તથા ઇમરાનને ગોંધી રાખીને બેફામ માર્યો હતો. ત્યાર બાદ જુગારમાં તેઓએ ચીટીંગ કર્યું હોવાનો આક્ષેપ મૂકી અને પૈસા પાછા આપવાનું કહી, ફરિયાદી હિરેન પાસેથી રૂ. 15,000 લૂંટી લઈ તેમજ રૂપિયા 38,000 ગૂગલ પે મારફતે અને રૂપિયા 20,000 એટીએમ મારફતે મેળવી લીધા હતા. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા વધુ પૈસાની માંગણી ચાલુ રાખીને રૂ. 35,000 તથા રૂપિયા 19,000 પણ મેળવી, કુલ રૂપિયા 89,000 રોકડા લૂંટી લીધા હોવાનું વધુમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં અન્ય બે આરોપીઓ દેવાયત વિકમા (રહે. મકનપુર) તથા દેવા ચાનપા (રહે. મીઠાપુર) દ્વારા જુગારની બાબતમાં ફરિયાદી ચીટીંગ કરતા હોવાની વાત પણ ફેલાવવામાં આવતી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે હિરેનભાઈ ચાનપાની ફરિયાદ પરથી તમામ ચાર શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 342, 394 તથા 120 (બી) હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. જે.જે. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.