જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસપાર્ટના કારખાનેદાર પાસેથી દિલ્હીના શખ્સે રૂા.5.18 લાખનો સામાન મંગાવી પૈસા નહીં ચૂકવી વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વિભાપરમાં રહેતાં નિરજભાઇ નિલેશભાઈ દોમડિયા નામના વેપારી યુવાનનું દરેડ જીઆઈડીસીમાં એફસીઆઈ ફેસ-3 માં મહાવીર સર્કલ પાસે પ્લોટ નંબર 35/38 માં આવેલ અભય મેટલટેક નામના બ્રાસપાર્ટના કારખાનામાંથી બ્રાસપાર્ટનો માલ મંગાવવા માટે દિલ્હીના કદમપુરી વિસ્તારમાં મોજપુર મેટ્રો સ્ટેશન મેઈન રોડ પર રહેતા મહમદહુશેન નામના શખ્સે વેપારીને વિશ્ર્વાસમાં લઇ તેમની પાસેથી રૂા.5,18,376 ની કિંમતનો પીતળનો સામાન ખરીદ કર્યો હતો. ચાર મહિના પહેલાં ખરીદ કરેલા સામાનની ઉઘરાણી કરતા નિરજભાઈને દિલ્હીના શખ્સ દ્વારા કોઇ જવાબ આપવામાં આવતો ન હતો. તેથી કંટાળીને બ્રાસપાર્ટના વેપારીએ દિલ્હીના શખ્સ વિરૂધ્ધ રૂા.5.18 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.