ખંભાળિયા પંથકમાં એલસીબી પોલીસ દ્વારા જુગાર અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયાથી આશરે 18 કિલોમીટર દૂર વડત્રા ગામે ગત સાંજે જુગાર દરોડો પાડી, એક મંદિરની બાજુમાં બેસી અને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા શૈલેષ પીઠા જોગલ, દેવશી બોઘા ચાવડા, રાયદે પરબત ચાવડા, લખુ મેરુ ચાવડા, ગોવિંદ પરબત ચાવડા અને પરબત નગા ચાવડા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 11,200 રોકડા તથા રૂપિયા 50 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 61,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમિયાન કરણા પુંજા કંડોરીયા, રામા કાના દલિત, લાખા સોમા દલિત, વેજાણંદ પબા આંબલીયા, રામા રાજશી ચાવડા અને પીઠા નાથા ચાવડા નામના છ શખ્સો ફરાર જાહેર થયા છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર ભોગાત ગામના સીમ વિસ્તારમાંથી પોલીસે વિજય ડાડુ કરમુર, દેવશી વીરા હાથલીયા, જગા રાજશી કરંગીયા અને અરસી ડાડુ કરમુર નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 4,360 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન ખીમાણંદ મેરામણ કંડોરીયા, હેમત અરસી કંડોરીયા અને ડાડુ કરસન કંડોરીયા નામના ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
અન્ય એક દરોડામાં કલ્યાણપુર પોલીસે પાનેલી ગામની સીમમાં આવેલા એક મંદિર પાસે બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા લખમણ પુંજા જાદવ, ખીમા નગા કંડોરીયા, પ્રદીપ દવુ કંડોરીયા, મારખી નારણ કંડોરીયા, હમીર રામ લગારીયા અને લખમણ ભીખા કંડોરીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 12,210 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત કલ્યાણપુરના એક મંદિર પાસે બેસીને રાત્રિના બે વાગ્યે ગંજીપત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા રામ ભીખા વેસરા, હિરેન ભીખા ભૂંડિયા, યુનુસ કાદુ બ્લોચ, કમલેશ મંગા મકવાણા, રામ સામત ગાગીયા, જગદીશ બચુભાઈ સચદેવ અને બુધા ગોગન વેસરા નામના સાત શખ્સોને પોલીસે રૂપિયા 11,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.