જામનગર તાલુકાના મતવા ગામની સીમમાં રહેતાં અને ખેતી કરતા યુવાનની પત્નીનું નવ વર્ષ પહેલાં મોત નિપજ્યા બાદ એકલવાયા જીવનથી કંટાળી યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતાં મહિલાને ચકકર આવતા પડી જવાથી બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના પીપલાળા ગામના વતની રમેશભાઈ સલુભાઇ એડ (ઉ.વ.42) નામનો યુવાનની પત્નીનો નવ વર્ષ પહેલાં અવસાન થયું હતું અને ત્યારબાદથી એકલવાયુ જીવન જીવતા યુવાને જિંદગીથી કંટાળીને જામનગર તાલુકાના મતવા ગામની સીમમાં આવેલા કુળજીભાઈના ખેતરના સેઢા પાસે ગત તા.15 ના સવારના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ મુકેશ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતાં વીજુબેન પાલાભાઈ સબાડ (ઉ.વ.42) નામના મહિલા ગત તા. 16 ના શનિવારે રાત્રિના સમયે લઘુશંકાએ ગયા હતાં તે દરમિયાન એકાએક ચકકર આવતા પડી જવાથી નાકમાં તથા કાનમાંથી લોહી નિકળતા બેશુદ્ધ થઈ જતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ પાલાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.