દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા ગુરુવારે હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે સવા રાણા ઓડેદરા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં રમાડતા જુગારના અખાડામાંથી પોલીસે સવા રાણા ઓડેદરા, વીંઝા કારા મોઢવાડિયા, કાના કારા ગોરાણીયા, નિર્મલ પુંજા અમર, લીલા રામા મોઢવાડિયા, લીલા કરસન અમર, રાજુ હરભમ ઓડેદરા અને કાના વિરમ મોઢવાડિયા નામના આઠ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 60,910 રોકડા તથા રૂપિયા 31 હજારની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 30 હજારની કિંમતનું એક મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,21,910 નો મુદ્દામાલ કબજે કરી, કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ નારણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોગાત ગામની ઉગમણી સીમમાં આવેલા વિજય કંડોરીયાની વાડીની બાજુમાં નદીના કાંઠે ટોર્ચબત્તીના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિજય હરદાસ કંડોરીયા, હેમત પરબત કંડોરીયા, વેજાણંદ કેશુર કંડોરીયા, જેઠા રાણા ચેતરીયા, ડાડુ વજશી કંડોરીયા, કાના રાજા કાંબરીયા, વિજય સવદાસ ભાટીયા અને અરજણ દેસુર કંડોરીયા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 21,860 રોકડા તથા રૂપિયા 29,000 ની કિંમતના 7 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 60 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 110,870 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા જેઠાભાઈ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બજાણા ગામની વાડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ખીમા હમીર બંધીયા, હરદાસ પબા બંધીયા, આલા લખમણ બંધીયા, દિનેશ રામ ગોજીયા, કરસન સવદાસ બંધીયા, ગોવિંદ મારખી બંધીયા અને ભીખા ડાડુ બંધીયા નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 21,450 રોકડા તથા રૂપિયા 30,500 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 51,950 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.
મીઠાપુર તાબેના મોજપ ગામેથી પોલીસે ખેતાભા અરજણભા સુમણીયા, નિલેશ બાબુભાઈ ગોકાણી સતાર અલાઉદ્દીન થૈયમ, શિવુભા રવુભા માણેક અને જગદીશ અમરા ખરા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 51,300 રોકડા તથા રૂપિયા 25 હજારની કિંમતના 5 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 85 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,61,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન મૂળ પાડલી ગામના રહીશ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા મોતીસિંહ વાઢેર નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.
ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, મેહુલ ભૂપત ચાવડા, નિલેશ કરસન બોદર, રાજશી રણમલ બોદર અને રણમલ ભીખા બંધીયા નામના ચાર શખ્સોને રૂપિયા 15,820 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમ્યાન ધના શંકરભાઈ ગોસ્વામી અને દિનેશ રામશી કરમુર નામના બે શખ્સો ફરાર જાહેર થયા છે.
કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રાત્રિના પોણા વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે એક મંદિર પાસે બેસી અને જુગારની મોજ માણતા નગા રણમલ કાગડિયા, જેઠા હરદાસ પરમાર, સામત ભીખા જાદવ, રમેશ નારણ રાઠોડ અને અરસી મેરામણ જાદવ નામના પાંચ શખ્સોને પોલીસે રૂ. 12,240 રોકડા અને ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 15,240 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામેથી સાજણ કાના બેલા, હરીશ ભીમા પીપરોતર અને સુરેશ દામજી ઘેરવાળા નામના ત્રણ શખ્સોને પોલીસે રૂપિયા 5,600 રોકડા, રૂ. 8,500 ની કિંમતના 3 મોબાઈલ ફોન તથા રૂપિયા 35,000 ની કિંમતના બે મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 49,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડામાં બાબુ મુરુ કારેણા, કિશોર કરૂ સોલંકી અને હરીશ સવદાસ પિપરોતર નામના ત્રણ શખ્સો ફરાર જાહેર થયા છે.
અન્ય એક દરોડામાં કેનેડી ગામેથી રમેશ રણમલ ખાણધર, ગોરધન ભોજા ખાણધર, જમન નાનજી ખાણધર અને કાના ભીખા ખાણધર નામના ચાર શખ્સો રૂપિયા 3,220 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.