જોડિયા તાલુકાના લખતર ગામના પાટીયાથી ધ્રોલ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બાઈકસવારને બેફીકરાઇથી પૂરપાટ આવી રહેલી ઈકો કારના ચાલકે હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતો કૈલાશભાઈ માધુભાઈ ડુડવા અને તેના મિત્રો મોહનભાઈ તેના જીજે-03-બીએન-3296 નંબરના બાઈક પર લખતરથી ધ્રોલ તરફ જતા હતાં તે દરમિયાન બુધવારે બપોરના સમયે પૂરપાટ આવી રહેલી જીજે-03-એચકે-2493 નંબરની ઈકો કારના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક મોહનભાઈને મોઢા પર, નાક પર અને આંખ પર તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે કૈલાશભાઈને માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા કૈલાશભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર ડી ગોહિલ તથા સ્ટાફ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.