ભાણવડ પંથકમાં છેલ્લાં દોઢેક માસથી વરસાદ ખેંચાતા ખેતરોમાં રહેલા મોલાતની સ્થિતિ નાજુક બનવા લાગી છે તેમજ કિસાનોને આર્થિક રીતે ફકટો લાગી શકે છે. ત્યારે કિસાનોએ સમૂહમાં વેરાડી સિંચાઈ યોજનાના અધિકારીને સમૂહમાં પહોંચી આવેદનપત્ર આપ્યું છે. જેમાં મોલાતને બચાવવા માટે ડેમમાંથી પાણી આપવા રજૂઆત કરી હતી.
ચાલુ સાલે ભાણવડ પંથકમાં કુદરતની કૃપાથી ચોમાસાનો સમયસર પ્રારંભ થયો હતો. પ્રારંભમાં પડેલા સારા વરસાદથી કિસાનોમાં આનંદની લાગણી છવાઈ હતી અને હોંશે હોંશે ખેતરમાં મગફળી તેમજ કપાસનું વાવેતર કર્યુ હતું.
પરંતુ વાવેતર કર્યા બાદ ક્રમશ વરસાદની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે હાલમાં ભાણવડ પંથકમાં છેલ્લાં દોઢેક માસથી પણ વધુ સમયથી મેઘરાજા એકાએક અદ્રશ્ય થઈ જતાં કિસાનોમાં ઘેરી ચિંતા થવા લાગી છે વરસાદ ખેંચાતા કપાસ, મગફળી જેવી મોલાત નાજુક થવા લાગી છે.
તેમજ અત્યાર સુધી દવા મજૂરી સહિત ખાતાનો ખર્ચ એળે જવાની નોબત આવી છે ત્યારે પાકને બચાવવા માટે વેરાડી સિંચાઈ યોજનાનું પાણી આપવામાં આવે તો મુરજાતી મોલાતને જીવનદાન મળી શકે તેમ છે. આ માટે સિંચાઈ વિભાગ કિસાનોના હિતમાં તાકીદે ઘટતી કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.