જામનગર શહેરની પટેલવાડી મેઈન રોડ વિસ્તારમાં બાકી વેરાની વસૂલાત કરવા ગયેલા જામનગર મહાનગરપાલિકાના કલાર્કને દુકાનદારના સગાએ બોલાચાલી કરી ફડાકો ઝીંકી સીલ ખોલી નાખતા જામ્યુકોના કલાર્કની ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલવાડી મેઈન રોડ વિસ્તારમાં આવેલા બંસરી સિલેકશન નામની દુકાનનો વેરો બાકી હોવાના કારણે મંગળવારના સવારે જામનગર મહાનગરપાલિકાના સીનીયર કલાર્ક ખીમજીભાઈ મકવાણા તથા સ્ટાફ વેરા વસૂલાત માટે પહોંચ્યા હતાં અને બાકી વેરા વસૂલાતને લઇ દુકાન સીલ કરવા પહોંચેલા જામનગર મહાનગરપાલિકાના સીનીયર કલાર્ક ખીમજીભાઈ મકવાણાને બંસરી સિલેકશનના માલિક યુવરાજસિંહ સરવૈયાના સગા અરવિંદસિંહ ત્યાં આવી દુકાનનું સીલ ખોલી દેવા કહ્યું હતું. પરંતુ સીલ લાગી ગયું હોય વેરો ભર્યા પછી સીલ ખીલશે તેમ ખીમજીભાઈએ જણાવતા આરોપી અરવિંદસિંહએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ફરિયાદીને ઝાપટ મારી દુકાનમાં મારેલ સીલ ખોલાવી જામ્યુકોના કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યા અંગે ખીમજીભાઈ એ સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.