Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામરાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે જશાઈબેન જમોડ-ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ જાદવની વરણી

જામરાવલ નગરપાલિકાના પ્રમુખ તરીકે જશાઈબેન જમોડ-ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ જાદવની વરણી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તથા જામરાવલ નગરપાલિકાના નવા પ્રમુખ-ઉપપ્રમુખ માટેની ચૂંટણી મંગળવારે યોજવામાં આવી હતી. જેમાં કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની નગરપાલિકા વધુ એક વખત ભાજપે કબજે કરી, પ્રમુખ તરીકે જસાઈબેન જમોડ તથા ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ જાદવને આ જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -

સમગ્ર જિલ્લામાં સૌથી વધુ સખડ-ડખડ ધરાવતી જામ રાવલ નગરપાલિકાની વર્તમાન બોડીના કુલ 24 પૈકી માત્ર 8 સદસ્ય જ ભાજપના સિમ્બોલ પર ચૂંટાયા છે. જ્યારે સ્થાનિક એવી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી (વી.પી.પી.)ના સૌથી વધુ ચુંટાયેલા સભ્યોએ કોંગ્રેસના સહકારથી પ્રથમ ટર્મમાં રાવલ નગરપાલિકાનો કબજો મેળવ્યા બાદ સત્તાની સાઠમારી તેમજ આંતરિક સખડ-ડખડ અને અસંતોષ વચ્ચે મોટાભાગના વી.પી.પી.ના સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. આ પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા સોગઠી દાવ રમી, અને ગઈકાલે યોજવામાં આવેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જસાઈબેન જમોડ તેમજ ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ જાદવના નામની વ્હીપ આપી હતી. જેમાં 21 વિરુદ્ધ બે મતથી બહુમતી સાથે બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

અત્રે યાદ અપાવવું જરૂરી છે કે નવા ઉપપ્રમુખ તરીકે વરાયેલા મનોજભાઈ જાદવ રાવલ નગરપાલિકામાં વીપીપીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા સદસ્ય અને તત્કાલીન પ્રમુખ છે. જેણે થોડા સમય પૂર્વે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. જ્યારે કોંગ્રેસના સદસ્ય પ્રતાપભાઈ પરમારના પ્રમુખ પદ માટે વીપીપીના રૂપલબેન ગામીએ દરખાસ્ત મૂકી હતી જેને વીપીપીના હોથીભાઈ બાબુભાઈ ગામીએ ટેકો આપ્યો હતો. આ વચ્ચે મહત્વની વાત તો એ છે કે ટેકો આપનાર હોથીભાઈ ગામીએ ભાજપના ઉમેદવારના ટેકામાં આંગળી ઊંચી કરી હતી!!

- Advertisement -

દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી નગરપાલિકાની આ ચૂંટણીમાં કુલ 24 પૈકી કોંગ્રેસના લક્ષ્મીબેન વાઘેલા ગેરહાજર રહ્યા હતા. આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી વતી જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તેમજ ભરતભાઈ ગોજીયા દ્વારા વ્હીપની બજવણી કરવામાં આવી હતી. આ ચૂંટણી માટે ખાસ નિયુક્ત કરવામાં આવેલા જિલ્લા મંત્રી કેતનભાઈ બુધ્ધભટ્ટી તથા અરભમભાઈ ઓડેદરાએ તમામ સદસ્યો સાથે સંકલન સાધ્યું હતું અને રાવલ નગરપાલિકામાં પુન:કેસરિયો છવાઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular