જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ નજીક મધ્યરાત્રિના સમયે રસ્તો ક્રોસ કરતા યુવાનને પુરઝડપે બેફીકરાઈથી આવી રહેલ કારે ઠોકર મારી હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શુક્રવારે મધ્યરાત્રિના સમયે નંદકિશોર રામનાથ સાકેત (ઉ.વ.38) નામનો યુવાન મેઘપર નજીક રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-10-ડીજે-3042 નંબરની ઈકો કારના ચાલકે નંદ કિશોરને ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતરાઇ ઉમાકાંત સાકેત દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી. બી. કોડીયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઈકો કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.