જામનગર શહેરના ખોડિયાર કોલોની દિગ્જામ સર્કલ પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડનાર યુવાનને ત્રણ શખ્સોએ આંતરીને મુંગો દઈ ખીસ્સામાં રહેલી રૂા.12,000 ની રોકડની લૂંટ ચલાવી નાશી ગયા હતાં.
લૂંટના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એરફોર્સ રોડ પર ખેતીવાડી સામે આવેલા ઈન્દીરા કોલોની રોડ નં.1 પર રહેતો રમેશ ખેતાભાઈ રાઠોડ (ઉ.વ.37) નામનો શ્રમિક યુવાન ગત ગુરૂવારે સાંજના સમયે ખોડિયાર કોલોની દિગ્જામ સર્કલ પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયો હતો અને એટીએમમાંથી રૂા.10,000 ની રોકડ રકમ ઉપાડી હતી. જે તેણે પેન્ટમાં રહેલ પાકીટમાં પાછળના ખીસ્સામાં રાખ્યા હતાં તે જ સમયે 20 થી 25 વર્ષના પાતળા બાંધાના ત્રણ અજાણ્યા શખ્સો આવીને એક શખ્સે યુવાનના હાથ પકડી રાખ્યા હતાં જ્યારે બીજા શખ્સે મોઢે મુંગો આપી દીધો હતો અને ત્રીજા શખ્સે પેન્ટના પાછળના ખીસ્સામાં રહેલી રૂા.12,000 ની રોકડ ભરેલ પાકીટની લૂંટ ચલાવી ધોળે દિવસે પલાયન થઈ ગયા હતાં. ધોળે દિવસે જાહેરમાં થયેલી લૂંટના બનાવની જાણ થતા પીએસઆઈ વી.ડી.બરબસીયા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને લૂંટારુઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.