ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતાં બે વિદ્યાર્થી ભાઈઓ તળાવમાં ન્હાવા પડયા તે સમયે ડૂબી જવાથી મોત નિપજ્યાની ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે બંને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા વાલજીભાઈ વિરજીભાઈ વાઘેલા નામના આધેડના બે પુત્રો નિલેશ વાઘેલા અને વિનોદ વાઘેલા બંને ભાઈઓ શુક્રવારે બપોરના સમયે ગામની સીમમાં પવનચકકી પાસે આવેલા તળાવમાં ન્હાવા પડયા હતાં. તે દરમિયાન બંને તરૂણો કોઇ કારણસર પાણીમાં ડુબી ગયા હતાં. જેથી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તથા ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તળાવમાંથી બંને ભાઈઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળના અંતે નિલેશ વાલજી વાઘેલા (ઉ.વ.17) અને વિનોદ વાલજી વાઘેલા (ઉ.વ.14) નામના બંને તરૂણ ભાઈઓના મૃતદેહો મળી આવતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. એક સાથે બે-બે ભાઈઓના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણના આધારે હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ બંને બાળકોના મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતા વાલજીભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.