ભૂચરમોરી યુધ્ધ બલિદાન પ્રસંગે યોજાતા કાર્યક્રમમાં જામનગરના આ યુધ્ધના સેનાપતિ જેશાજી ચંગલજી ચૌહાણની પુરા કદની પ્રતિમા સ્થાપવા રાજપૂત ઉત્કર્ષ સંઘના ભૂ.પૂ. વહીવટદાર ભૂપતસિંહ ચૌહાણ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભૂચરમોરી મહાસંગ્રામમાં વિરગતિ પામેલ સમર્થ આગેવાન વિરપુરુષોના પાળિયા (ખાંભી) તથા આ યુધ્ધના ચિત્તાર આપતો શિલાલેખ સહિતનું પ્રાચીન યુધ્ધ સ્મારક ભૂચરમોરી મેદાન ખાતે આવેલ છે. આ ભૂચરમોરી મહાયુધ્ધમાં જામનગરની સેનાના સેનાપતિ તરીકે અંતિમ શ્ર્વાસ સુધી સંચાલન કરી ભૂચરમોરી રણમેદાન ખાતે વિરગતિ પામેલા જેશાજી ચંગલજી ચૌહાણ ક્ષત્રિય રાજપૂત વિરપુરુષ હતાં. આ મહાયુધ્ધની વિરગાથાઓના ઇતિહાસની ગૌરવવંતિ કથાઓ આજે પણ ભૂચરમોરીના પ્રાચીન યુધ્ધ સ્મારકમાં આ પાળિયાઓ વર્તમાન પ્રજાને કહી રહ્યા છે અને ભવિષ્યમાં આવનારી પ્રજાને પણ કહેતા રહેશે. ત્યારે જામનગરની સેનાના સેનાપતિ વિર જશાજી ચંગલજી ચૌહાણ આ મહાયુધ્ધનું સમગ્ર સંચાલન સંભાળતા હતાં. તેથી તેમની પુરાકદની ઘોડેશ્ર્વારી સાથેની પ્રતિમા ભૂચરમોરીના શહિદ વન ખાતે મુકવા માગ કરાઇ છે.