આપણા દેશમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ-2023 એસ.વીએમ.સ્કૂલ લીમડા લાઈન ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારીએ શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં શિક્ષકનું ખૂબ જ મહત્વ રહેલું છે. શિક્ષકો ન માત્ર વિદ્યાર્થીઓને પરંતુ સમગ્ર સમાજને ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓને સફળ બનાવવા પાછળ એક શ્રેષ્ઠ શિક્ષક દિવસ રાત પરસેવો રેલી બાળકોને જ્ઞાન આપી જીવન સુધારે છે. જ્યારે બાળક સફળતા મેળવે ત્યારે સૌથી વધુ ખુશ તેના શિક્ષકો થાય છે. શિક્ષક વિનાના સમાજની કદાચ કલ્પના જ ન કરી શકાય. સમુદ્રના ઊંડાણમાં ઉતરવાથી કદાચ ડૂબી જવાય છે પરંતુ શિક્ષકના ઊંડાણમાં ઉતરવાથી જીવન તરી જાય છે. રાજ્ય કક્ષાનો એવોર્ડ મેળવનાર શિક્ષકો પૈકી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષક મમતાબેન જોશીનો પણ તેમાં સમાવેશ થાય છે. જે સૌ માટે ગર્વની બાબત કહેવાય. જામનગર જિલ્લા અને તાલુકાના જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવ્યો છે તે અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ છે.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કક્ષાના બે શિક્ષકો જેમાં કાલાવડ તાલુકાની બી.બી. એન્ડ પી.બી. હિરપરા ક્ધયા વિદ્યાલયના માધ્યમિક આચાર્ય અમીપરા પાર્વતીબેન નાનજીભાઈ તથા જામનગર તાલુકાની કાંકરીયા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક કટેશીયા ભગવાનજીભાઈ દેવજીભાઈનું તેમજ તાલુકા કક્ષાના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકો જેમાં જામજોધપુર તાલુકા શાળાના મોકરીયા યોગેશકુમાર ભાણજીભાઈ, જામનગર તાલુકાની નાની ખાવડી પ્રાથમિક શાળાના શિક્ષક કરંગીયા ધર્મેશકુમાર મેરૂભાઈ તથા કંસૂમરા ક્ધયા શાળાના શિક્ષક ભેંસદળીયા સીમાબેન પોપટલાલને સન્માનિત કરી પ્રત્યેકને રૂા.15,000 ની રકમનો ચેક તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધનાના છ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સર્વે મહેમાનઓને આવકારવા માટે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પોષણ માસ અંતર્ગત કઠોળની કીટ આપીને અનેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, કલેક્ટર બી.એ શાહ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા, શાસન અધિકારી ફાલ્ગુનીબેન પટેલ, મહેશભાઈ મુંગરા, કનુભાઈ મકવાણા, આદર્શભાઈ મહેતા તેમજ શારદા મંદિર શાળાના પ્રિન્સિપલ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી.એન.પાલાભાઈએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.