આગામી ગુરૂવાર તા. 7 સપ્ટેમ્બરના રોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ જગતમંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના 5250 મા જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરના વહીવટદારની યાદી અનુસાર શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે સંદર્ભે વૈષ્ણવ ભાવિકોને ઠાકોરજીના દર્શન સમય સારણી અનુસાર દર્શન કરવા અનુરોધ કરાયો છે.
આગામી ગુરૂવાર તારીખ સાતમીના રોજ જન્માષ્ટમીના દિને શ્રીજીની મંગલા આરતી સવારે 6 વાગ્યે, મંગળા દર્શન સવારે 8 વાગ્યા સુધી, શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન તથા અભિષેક દર્શન સવારે 8 વાગ્યે, સ્નાન ભોગ સવારે 10 વાગ્યે, શૃંગાર ભોગ સવારે 10:30 વાગ્યે, શૃંગાર આરતી સવારે 11 વાગ્યે, ગ્વાલ ભોગ સવારે 11.15 વાગ્યે, રાજભોગ બપોરે 12 વાગ્યે, અને ત્યારબાદ બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. સાંજના ક્રમમાં ઉત્થાપન દર્શન સાંજે 5 વાગ્યે, ઉત્થાપન ભોગ 5.30 થી 5.45 (દર્શન બંધ), સંધ્યા ભોગ સાંજે 7.30 થી 7.45 સુધી (દર્શન બંધ), સંધ્યા આરતી 7:45 વાગ્યે, શયન ભોગ રાત્રે 8 થી 8:10 સુધી (દર્શન બંધ), શયન આરતી 8:30 વાગ્યે અને શયન અનોસર (દર્શન બંધ) રાત્રે 9 વાગ્યે થશે.આ પછી રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણની જન્મોત્સવ આરતી યોજાશે. જેમાં રાત્રે અઢી વાગ્યા સુધી જન્મોત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે. રાત્રે અઢી વાગ્યે શ્રીજી શયન (દર્શન બંધ) થશે. પારણા નોમ નિમિત્તે શુક્રવાર તારીખ 8 સપ્ટેમ્બરના રોજ શ્રીજીને પારણા ઉત્સવ દર્શન સવારે 7 વાગ્યે અને ત્યાર બાદ અનોસર (દર્શન બંધ) 10:30 વાગ્યે થશે. સાંજે 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. સાંજે 5 થી 6 સુઘી ઉત્થાપન દર્શન, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા સાંજે 6 થી 7 સુધી, સંધ્યા દર્શન સાંજે 7 થી 7:45 સુધી, સંધ્યા આરતી સાંજે 7:45 વાગ્યે, શ્રીજીને શયન ભોગ રાત્રે 8:10 વાગ્યે, શયન આરતી રાત્રે 8:30 વાગ્યે તેમજ શયન રાત્રે 9:30 વાગ્યે યોજાશે. દ્વારકાનો મુખ્ય તહેવાર એટલે જન્માષ્ટમી. શ્રીકૃષ્ણની 5250 ની જન્મજયંતી એટલે કે જન્માષ્ટમીની તૈયારીઓ હાલ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા જગત મંદિરને સુંદર લાઇટિંગથી સુશોભિત કરવામાં આવી રહ્યું છે. અહીં આવતા ભક્તો નિર્વિઘ્ને અને મુક્તમને દર્શન કરી શકે તે માટે કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધી બેરિકેટિંગ બાંધવામાં આવી રહ્યા છે. અશક્તો, વૃદ્ધોને દર્શન કરવા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સમિતિ તેમજ પોલીસ તંત્ર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.