ભાણવડમાં નવાગામમાં પટેલની વાડીમાં કોઇ અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે પોલીસે લાશનો કબ્જો મેળવી વિશેષ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, ભાણવડ નજીક નવાગામમાં પટેલ ભગવાનજી મોહન દેલવાડિયાના ખેતરમાં પાણી વારતા વખતે રમેશ જામા માગી નામના મજુરે કોઇ અજાણ્યા પુરૂષની લાશને નિહાળી હતી. જેથી મજૂરી તાકીદે વાડી ખેતરના માલિક ભગવાનજી મોહન પટેલને જાણ કરતા મજૂર અને માલિક બને કપાસના પાટલા પાસે પહોંચ્યા હતાં. બાદમાં માલિક ભગવાનજી પટેલે ભાણવડ પોલીસ થાણે બનાવની જાણ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચિરાગસિંહ જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતાં. અને લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી છે. લાશ કોહવાયેલી અને દુર્ગંધ મારી રહી હતી. હેડ કોન્સ્ટે. ચિરાગસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પુરૂષે કેશરી કલરનું શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેર્યુ છે .તેમજ હાથના કાંડામાં ત્રોફાથી રામસીંગ લખ્યું છે તેમજ 35 થી 40 વર્ષની ઉંમર હોવાનું જણાવ્યું છે.