જામનગર તાલુકાના મોરકંડા ગામમાં સતવારા સમાજની વાડી પાસે રહેતાં યુવાન તેના ઘરે નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ થઈ જતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરકંડા ગામમાં સતવારા સમાજની વાડી સામેના વિસ્તારમાં રહેતાં રામજીભાઈ ધનજીભાઈ ચૌહાણ (ઉ.વ.42) નામના મજૂરી કરતો યુવાન ગત તા.23 ના તેના ઘરે નિંદ્રાધિન હતો તે દરમિયાન બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું રવિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ લખમણ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.