જામનગરથી દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શન કરવા આવેલા એક આસામીના ખિસ્સામાંથી રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાના પ્રકરણમાં દ્વારકાધીશ મંદિર પોલીસે તાકીદની કાર્યવાહી કરી અમદાવાદમાં રહેતા પોણોસો વર્ષના એક વૃદ્ધ સહિત બે શખ્સોને દબોચી લીધા હતા.
દ્વારકાધીશના દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહેલા જામનગર ખાતે રહેતા 58 વર્ષના એક વિપ્ર પ્રૌઢના ખિસ્સામાંથી રૂપિયા 19,000 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવો બનતા આ અંગે દ્વારકાધીશ મંદિર સુરક્ષા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે અંગે પોલીસે એફ.આઈ.આર. નોંધી, તાત્કાલિક ચેકિંગ કાર્યવાહી કરતા દ્વારકાધીશ મંદિર ખાતે બે શકમંદ હોવાનું જણાવતા આ અંગે ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કામગીરીમાં આ બંને શખ્સોની અંગજડતી કરવામાં આવી હતી.
અમદાવાદના બંગલા એરીયા મોચી પાડો ખાતે રહેતા અને ફ્રુટનો વેપાર કરતા અને મૂળ રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાના વતની એવા રમેશ બુધારામ પીરાણા (ઉ.વ. 73) અને સતીશ સાવલદાસ સંધી (ઉ.વ. 53) નામના આ બંને શખ્સો પાસેથી વિપ્ર પ્રૌઢ પાસેથી ચોરી કરેલા રૂપિયા 19 હજાર તથા તેમના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. જેથી દ્વારકાના પી.આઈ. જે.જે. ચૌહાણ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત બંને શખ્સો અવાર-નવાર અહીં દર્શનાર્થે આવતા હતા અને સ્થાનિક સુરક્ષા કર્મીઓની બાજ નજરમાં શંકાસ્પદ બની ગયેલા ઉપરોક્ત બંને આરોપીઓની અટકાયતથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.