જામનગર શહેરના મેહુલ સિનેમેકસ રોડ પરથી પસાર થતા ટ્રકચાલકને ઈકો કારે આંતરીને રોકડની લૂંટ અને ટ્રકમાં નુકસાન પહોંચાડયાના બનાવમાં સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ત્રણ શખ્સોને દબોચી લઇ ધોકા અને કાર તથા મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે લૂંટારુઓની શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મેહુલ સિનેમેકસ સામે સીએનજી પંપ પાસે રોડ પરથી પસાર થતા જીજે-36-ટી-9042 નંબરનો ટ્રક લઇ રીલાયન્સથી જામનગર આવી રહેલા ફારુકભાઈ ગઢકાઇ નામના ટ્રકચાલકને પમ્પ પાસે ઈકો કારના ચાલકને ટ્રક આડે કાર નાખી પાંચ શખ્સો દ્વારા ધોકા જેવા હથિયારો સાથે ધસી આવી ચાલક પાસેથી રૂા.5000 ની રોકડની લૂંટ અને ટ્રકમાં નુકસાન કર્યાના બનાવમાં લૂંટારુ અંગેની હેકો ફૈઝલ ચાવડા, યશપાલસિંહ જાડેજા, પોકો હર્ષદ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી.બી.બરસબીયા, વાય.આર. જોશી, એએસઆઈ ડી.જે.જોશી અને હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, એન.બી. સદાદીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા, રેખાબેન કરંગીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી બેડી બંદર રોડ પર બાલાજી પાર્ક નજીકથી જીજે-37-બી-0748 નંબરની ઈકો કારમાં ત્રણ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી ત્રણ લાખની કિંમતની ઈકો કાર અને રૂા.3500 ની કિંમતના બે નંગ મોબાઇલ તથા રૂા.2690 ની રોકડ રકમ અને બે ધોકા તથા એક લોખંડનો સળિયો મળી કુલ રૂા.3,06,190 ના મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ આરંભી હતી.